દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ
“એ મોવલિક, કોઈ ભજન ક ગીતોની ચોપડી આપ ન, તો મુ મસ્ત ગીતો લઉં ન, ધીમે ધીમે વાંસળીની રીધમ મ સેટ કરી દઉં ” - દિનેશકાકા,
![]() |
| વાંસળી વગાડતા દિનેશકાકા |
દર વખતે આવી જ આશાવાદી વાતો કરતા, છીકણી રંગનું પેન્ટ મોરીથી ઘૂંટણ સુધી વાળીને પેરતા, રંગીલા પિચ્ચરના હીરો આમીરની જેમ માથે સફેદ ટોપી હોય અને એમાંથી થોડા વાળ આગળ બહાર આવતા હોય, મોટા ભાગે ટચલી આંગળી ગુલાબી કલરથી રંગેલી હોય અને મોટાભાગે લાલ અને ગુલાબી રંગની ટી- શર્ટ પહેરે અને કોઈક વાર જાંબલી રંગનો શર્ટ પણ અને એના ઉપર પોપટી કે કેસરી કલરની, સફાઈ કર્મચારીઓને ગણવેશ તરીકે પહેરાવવામાં આવે છે ને એ કોટી હોય... ટોપી એ શોખથી પહેરતા હતા, પણ આ કોટી નહિ...
હું એચ.કે.આર્ટસ કોલેજમાં જોડાયો ત્યારથી કોલેજની બહાર કાકાને સતત જોયા છે, કાકા રોડ પરથી આવતા જતા જેની પણ સામે નજર મળે એને મસ્ત સ્માઈલ આપતા ... અને જો સામેથી પણ આવકારો મળે તો એક હાથ ઉંચો કરીને વધારે મોટી સ્માઈલ આપે... એકવાર અમે કોલેજના દોસ્તો દરરોજની જેમ ચાની કીટલીએ બેઠા બેઠા ખબર નઈ કઈ પણ વાતો કરતા હતા અને અમને આશ્રમ રોડનાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક ‘ટીટીટ પેમ્પેપ ટીટીટ પેમ્પેપ..’ વચ્ચે મસ્ત વાંસળીનો અવાજ સંભળાયો... અને એ અવાજ ક્યાંથી આવે છે એ શોધવા નજર ફરવા માંડી, દિનેશ કાકા ને જોયા પછી પણ નજર આગળ નીકળી ગઈ અને પછી સટ્ટાક દઈને પાછી આવી... જે રીતે ક્રિકેટમાં આપડે ચાર રન ધારતાં હોય અને પોઈન્ટ પર જ કેચ થઇ જાય અને કેમેરો બાઉન્ડ્રી પરથી પાછો પોઈન્ટ પર આવેને એમ... પછી એકકી ટસ્સે જોઈ રહેવાયું, બીજા ઘોંઘાટો બંધ થઇ ગયા ... અને પછી તો વાંસળીનો અવાજ પણ, કમરથી કચરાની લારી ઠેલાઈ રહી હતી, અને બંને હાથની બધી આંગળીઓ વાંસળી પર હતી, ગળાની બધી નસો ફૂલી ગઈ હતી... આટલે દુરથી પણ એ ગણી શકાતી હતી, આખ્ખો ચહેરો લાલ અને આંખો બંધ્ધ .... અમે બધાએ તાળીઓ પાડી કાકાની આંખ ખુલી ગઈ, અમે કાકાને ચા પીવા બોલાવ્યા અને ચા પીતા પીતા બીજા ગીતો સાંભળ્યા. ભજનો, જૂના ફિલ્મીગીતોની પહેલી બે ચાર લાઈનો કાકા વગાડે અને પછી કહે કે “ગીત આગળ નથી આવડતું, મોવલિક, કોઈ ભજન ક ગીતોની ચોપડી આપ ન, તો મુ મસ્ત ગીતો લઉં ન, ધીમે ધીમે વાંસળીની રીધમ મ સેટ કરી દઉં ”
દિનેશકાકાની વાંસળી વગાડવા માટેની લગન જોઈ અને મગજ ચકરાવે ચઢ્યું. હવે તો કાકાને નિયમિત મળવાનું શરુ થયું. કોઈ નવા ગીતને વાંસળીમાં ઉતારે તો કાકા મને સંભળાવે, પોતાની સુખ-દુ:ખની વાતો કરે, અને યુવાનીમાં પોતે કવિતાઓ અને ગીતો પણ લખતા એ બધું પણ વાગોળે. એમના પરિવારમાં વાંસળી પ્રત્યે કોઈને ખાસ રૂચી નહિ એટલે કાકા ઘરમાં બેસીને વાંસળી વગાડે તો ટીવીમાં ચાલતી સીરીયલ સંભળાતી નથી એવી ફરિયાદ આવે, પછી કાકા બહાર નીકળે અને કોઈ ઝાડ નીચે બેસીને વાંસળીમાં તલ્લીન થઇ જાય. ઘણી વાર આસપાસમાંથી નીકળતા લોકો વાંસળી સાંભળીને રોકાઈ જાય, કોઈ પૈસા પણ આપે એટલે કાકા પૈસા પાછા આપીને પોતે શોખથી વાંસળી વગાડે છે એમ સમજાવે .... ‘શોખ શાનદાર હૈ..’ એવું આપણે ખુબ સાંભળ્યું છે પણ કોઈ સામાન્ય માણસને પણ પોતાના શોખ હોઈ શકે એવું કલ્પનામાંય આપણે વિચારી શકતા નથી.
| 'ઉર્ફે આલો'નો પહેલો શો |
બસ આ જ દિવસોમાં એચ.કે કોલેજમાંથી નાટક કરવાનું હતું બધા મિત્રોનું હમેશની જેમ કૈંક નવું કરીએ એવું માનવું હતું. દીનેશકાકાની વાતો મગજમાંથી ખસતી નહોતી અને આ સંઘર્ષમય પીડામાંથી જન્મ થયો નાટક ‘ઉર્ફે આલો’નો.... જયારે કોઈને પણ અમે નાટકનું નામ કહીયેને એટલે મોટાભાગે લોકો શું નામ છે ફરીથી કહો તો એમ કહે અથવા પૂછે કે ‘શું આ કોઈ ઉર્દુ નાટક છે ?’ અમે નાટક વાળા બધા તૈયાર જ હોઈએ ‘ના’ પાડવા માટે... ‘આલો’ શબ્દ એ કહેવાતી સભ્ય અને સુસંસ્કૃત ભાષાનો નથી એટલે લોકો જલ્દી સ્વીકારી શકતા નઈ હોય કદાચ... ‘આલો’ મૂળ ‘આપો’ શબ્દનો લોકો ધ્વારા બોલાતો શબ્દ છે... સામાન્ય રીતે આ શબ્દ ચાલીઓમાં, વસ્તીઓમાં, શાકમાર્કેટમાં અને કામદાર વર્ગોમાં મોટાભાગે રોજબરોજ વપરાતો જોવા મળે છે... અને આ શબ્દ રોજ સાંજે સભ્ય સોસાયટીઓમાં સફાઈકર્મી બહેનો અને તેમના બાળકો ધ્વારા જમવાનું માંગવાની બુમો સ્વરૂપે સંભળાતો હોય છે ... 'વાળું આલો... વાળું આલો ....'
![]() |
| સંજય ભાવે સરનો પત્ર |
આમ તો દિવસ દરમ્યાન સોસાયટી અને તેની આસપાસના વિસ્તારને સાફ કરવાનાં કામનાં વળતર સ્વરૂપે આ જમવાનું માંગવામાં આવે છે પણ મોટા ભાગે વાળું ‘ભીખ’ સ્વરૂપે અપાતું હોય છે. જેમાં વધેલું ઘટેલું આપવું કે ક્યારનું પડી રહ્યું છે એટલે આપી દેવું વગેરે જેવી ગણતરીઓ થતી હોય છે અને વાળું લેવા આવનાર મહિલાઓ અને તેમના બાળકોને અપમાન અને ઉતરી ગયેલી કઢીની સાથે સાથે તેવા જ ઉતરી ગયેલા મોઢાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. અને એટલે સફાઈકર્મીઓના બાળકો યુવાન થયા પછી વાળું લેવા નઈ જાઉં એ વાતે ઘરમાં ઝઘડતા હોય છે. જેમાં ચાલીમાં આસપાસ રહેતા બીજા સમાજના દોસ્તોનું ખીજાવવું, સોસાયટીમાં રહેતા એની જ ઉંમરના યુવાનનું ઘરમાંથી બહાર નીકળીને વાળું આપવું અને એમાય જો એકતરફી પ્રેમ કરતા હોઈએ તે જ વ્યક્તિનું ઘરમાંથી બહાર નીકળવું... આટલું કોઈને શરમમાંથી છેક લઘુતાગ્રંથિમાં ફેંકી દેવા માટે પુરતું છે... નાનપણમાં મમ્મી જોડે ‘વાળું આલો, આલો..’ની બુમો પાડતા છોકરાને ચાલીમાં બધા ‘આલો આલો..’ કહીને ખીજવે છે, હવે અસલી નામ નીલેશ મટીને તેની ઓળખ ‘આલો કે આલીયો.’ થઈને રહી ગઈ છે. તેનો પોતાના બાપ સાથેનો, પોતાની જાત સાથેનો અને જાતિવાદ સાથેનો સંઘર્ષ બતાવવનાં પ્રયત્નમાં તૈયાર થયું નાટક ‘ઉર્ફે આલો...’
યુથ ફેસ્ટીવલમાં ભજવ્યું સારો પ્રતિસાદ મળ્યો, પ્રેક્ષકોએ તાળીઓથી, આંસુઓથી, ચીચીયારીઓથી વધાવ્યા અને સ્પર્ધામાં જીત્યા પણ ખરા અને એચ.કે.આર્ટસ કોલેજના પ્રોફેસરોએ પીઠ થાબડી, સંજય ભાવે સરએ ડો.બાબાસાહેબ આંબેડકરનું પુતળું સ્ટેજ પર જોયાનો આનંદ વ્યક્ત કર્યો અને લોકોની સાથે સાથે સાહિત્ય અને નાટકોમાં પણ આભડછેટ પામેલા વિષયને ઉજાગર કરવા બદલ અમારો ઉત્સાહ વધાર્યો. અમે એચ.કેનાં હોલમાં આ નાટકનો શો કર્યો... દીનેશકાકા તેમના પરિવાર સાથે પ્રેક્ષકોમાં બેઠા હતા. (ક્રમશ:)


i proud of u maulikbhsi
ReplyDeleteથેંક યુ..કૌશલભાઈ ... વાંચતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો..
ReplyDeleteમૌલિક પ્રથમવાર ઉર્ફે આલો સાંભળીને મને પણ અચરજ થયુ તુ. પણ નાટક આ શબ્દોને ફીકા પાડે છે.
ReplyDeleteઅદભુત નાટક.
સલામ દોસ્ત
thank you mehulbhai ..
Deletesalaam.. bas aam j natak joine mantavyo aapsho to gamshe .. blog par aawyaa e maate vishesh dhanyvaad
Khubaj saras
ReplyDeletethank you vikasbhai..
ReplyDelete