અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

            હું નાનો હતો ત્યારે પપ્પાને એક ખુરશીમાં બેઠા બેઠા કાંતો બીડી પિતા જોઉં અથવા વાંચતા જોઉં. કોઈ નવું પુસ્તક મળે તો રાતોની રાતો જાગે અને જ્યાં સુધી પૂરું ના કરે ત્યાં સુધી એમને જમવાનું પૂછવા કે બીજી કોઈ વાત કરવા જતા પણ સહેજ ખચકાટ થાય. ઘરમાં જ્યાં જુઓ ત્યાં ચોપડીઓ જ પડી હોય એવું મમ્મી ઘર સાફ કરતા કરતા કંટાળીને બોલતી પણ ખરા. (હા મમ્મી આજે પણ પુસ્તકોને ચોપડી કે ચોપડાઓ એવું જ કહે છે પણ હવે એનાથી થોડી ઓછી કંટાળે છે) નાનપણથી છાપું વાંચવાનું પરાણે શરુ કરાવેલું પપ્પાએ, મને કઈ વાંચવું ગમતું નઈ પણ પપ્પા મને એમણે જે વાંચ્યું હોય એના વિષે વાતો કરે અને ઘણી વાર એક બે પાનાં વાંચે પણ ખરા, ઘણી વાર તો બે ની જગ્યાએ ત્રણ, ચાર, પાંચ છ પણ થઇ જાય મને કંટાળો આવી જાય પણ એ વાંચવાનું ચાલુ રાખે. ધીરે ધીરે છાપાઓમાં શબ્દની ચોકડીઓ ભરવાનું અને એના બદલામાં પપ્પાની વાહ વાહ મેળવવાનું શરુ થયું. પછી ઘરમાં લગાવેલા ટોપીવાળા, મૂછો વાળા, દાઢી વાળા અને ટાલ વાળા એમ ચાર માણસોનો એક કોલાજ વાળો ફોટો, મારી આંખો ખુલી ત્યારથી મેં ઘરમાં જોયેલો, ‘આ લોકો કોણ છે પપ્પા ?’ એવો સવાલ મેં પપ્પાને પૂછી લીધો અને પપ્પા જાણે વર્ષોથી આ સવાલ પુછાય તો એનો જવાબ આપી દેવાની રાહનો અંત આવ્યો હોય એમ મનમાં મલકાયા અને મને બેસાડીને એ ફોટા વાળા માણસો વિષે કહેવા લાગ્યા. ટોપી વાળા ભાઈ એટલે ભગતસિંહ, મૂછોવાળા એટલે ચન્દ્રશેખર આઝાદ, દાઢી વાળા હતા કાર્લ માર્ક્સ અને ટાલ વાળા લેનિન. પછી તો આ લોકો કોણ હતા અને એ બધા સવાલો અને એમના વિશેની વાતોનો દોર મને ખબર જ નથી કે કેટલા દિવસો સુધી ચાલ્યો. (એમ જોઈએ તો આજે પણ ચાલુ જ છે)

         પણ હા, એટલું યાદ છે કે અમારી આ વૈચારિક ગોષ્ટિનાં ગાળામાં પપ્પાએ એક દિવસે માળીયા પરથી લોખંડની પીળા રંગની પેટી કાઢી. મેં આ પેટી ખાલી દિવાળી વખતે ઘર સાફ થાય ત્યારે જોયેલી પણ એની અંદર શું છે એવી જિજ્ઞાસા ક્યારેય નહોતી થઇ. બસ એ એટલા વર્ષોની જિજ્ઞાસા મને પપ્પા પેટી કાઢી રહ્યા  હતા એમાં ભેગી થઇ ગયેલી. પપ્પાએ પેટી ખોલી, જર્જરિત થઇ ગયેલા પુસ્તકોની મસ્ત સુગંધ આવી પછી એમાંથી એક પછી એક પુસ્તકો નીકળવા માંડ્યા. એ પુસ્તકોના નામો અને એમાં લખાયેલી વાતો મેં આ પહેલા ક્યાંય સાંભળી નહોતી. એક પીળા પાનામાં હાથથી લખાયેલા અમુક પાનાંઓને પપ્પાએ વધુ સાચવેલા. આવું કેમ એવું પૂછ્યું તો જવાબમાં એક નવું નામ સંભળાયું ‘સફદર હાશમી’ આ એમના હાથેથી લખાયેલા અમુક પાનાં છે. ત્યાંથી પપ્પાએ યુવાનીમાં કરેલા નુક્કડ નાટકોની વાતો ઉઘડી. ‘મશીન’, ‘ઔરત’, ‘લોક કળા મંચ’, ‘મજદૂર આંદોલન’ ‘દલિત આંદોલન’, ‘લાલ વાવટો’ એવા શબ્દો મારા કાને પડતા ગયા, પીળી પેટીની સાથે સાથે મારા મગજનાં તાર પણ ખુલી રહ્યા હતા એટલામાં જ મારા હાથમાં પુસ્તક આવ્યું  ‘એક હજાર ચુરાશીર માં’ એ મેં જાતે વાંચેલું પહેલું પુસ્તક. 

‘એક હજાર ચુરાશીર માં’- મહાશ્વેતા દેવી
       પછી આ નામોની આસપાસ મને ક્યારેય પણ કઈ પણ વાંચવા મળતું એટલે હું થોડું થોડું વાંચતો, આંબેડકર વિષે પણ ઘણી વાતો થઇ અને ખુબ ઓછું વંચાયું, વચ્ચે એમને લખેલા ૧૨ વોલુમ્ઝ પપ્પા લઇ આવ્યા, એ બધામાંથી કોઈક કોઈક પ્રકરણો અથવા રેન્ડમ પત્તાઓ વાંચ્યા છે મેં બસ.... બાળ વાર્તાઓ અને ચંપક વાંચવાનાં બાકી હતા અને લાલ, વાદળી લખાણો પર મારી આંખો ફરતી થઇ ગઈ હતી. જેના લીધે અમુક પ્રકારનાં પુસ્તકો મને ગમતા જ નહિ, સમાજની વાત ના હોય એ સાહિત્ય જ નથી એવું માનતો અને એમાં જ વિધ્યાપીઠમાં ભણવા માટેની પ્રવેશ પરીક્ષા આપવાની થઇ. ગાંધીજીની આત્મકથા અને અન્ય ગાંધીયન સાહિત્ય વાંચવું પડ્યું, 'હા વાંચવું પડ્યું' એમ જ કહીશ કેમકે પરીક્ષાની તૈયારીના ભાગ રૂપે વાંચવાનું થયેલું. પ્રવેશ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવ્યા તો લાગ્યું કે ગાંધીજીને તો હું પચાવી ગયો છું પણ સાદરામાં ભણવાનું શરુ કર્યું પછી સમજાયું કે મેં જમ્યા પહેલા મુખવાસ ખાધો હતો, હજી ઘણું બધું વાંચવાનું બાકી હતું. લેકચરો બંક કરીને પણ હું ત્યાની લાઈબ્રેરીમાં જવા લાગ્યો જગદીશ સોલંકી નામના સાહેબ ત્યાંના લાઈબ્રેરિયન, એમને મેં કહ્યું કે તમારે પુસ્તકો ગોઠવવાનાં હોય તો મને બોલાવજો તમે કહેશો એમ પુસ્તકો ગોઠવવામાં હું મદદ કરીશ, એ દિવસોમાં લાઈબ્રેરીમાં પુસ્તકો ગોઠવવાનું વિજ્ઞાન હોય એવું ખબર પડી અને જીવનમાં લાઈબ્રેરીયન થઈશ એવું પણ નક્કી કરેલું. એક દિવસ લાઈબ્રેરીમાંથી ‘અહા જિંદગી’ મેગેઝિનનાં અંકો હું રૂમ પર લઇ આવેલો અને સૌમ્ય જોશીની સર્જન યાત્રા અને એચ.કે આર્ટસ કોલેજમાં થયેલા ‘ફેડ ઇન થીયેટર’નાં નાટકો અને તેની આસપાસ બનતી ઘટનાઓ વિષે વાંચવા મળ્યું. મન બદલાયું અને એચ .કે કોલેજમાં જઈને થીયેટર કરવું છે બસ એવું નક્કી થઇ ગયું અને બીજા દિવસે જ મેં સાદરા કોલેજ છોડી. 
પુસ્તક પર સફદર હાશ્મીની કવિતા
       એક વર્ષ ઘરે બેઠો અને મનગમતી એચ. કે કોલેજમાં એડમિશન મળ્યું. ત્યાં સુધીમાં સૌમ્ય જોશી વિષે લખાયું હોય એવું અને એમણે પોતે લખ્યું હોય એ લખાણો ખોળવાનાં શરુ કર્યા. ‘ગ્રીન રૂમમાં...’ પુસ્તક હાથમાં આવ્યું અને બધી જ કવિતાઓ કંઈ કેટલીય વાર વાંચી અને જે મળે એ સૌને આ કવિતા મસ્ત છે એમ કહીને વાંચી સંભળાવતો.... જગતમાં એક જ પુસ્તક હતું અને એક જ પુસ્તક છે એવું હું ‘ગ્રીન રૂમમાં..’ પુસ્તક વિષે એ સમયે માનતો. પછી આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખાયેલા ભગતસિંહ, સાને ગુરુજી અને મરીઝ એવા ત્રણ નામોમાંથી 'મરીઝ' નામ વિષે શોધવાનું શરુ કર્યું અને એમાં ગઝલનાં શેરમાં રદીફ પહેલા કાફિયા આવે એમ મરીઝનાં નામ સાથે જીગ્નેશ મેવાણી પણ મળી આવ્યા. જીગ્નેશભાઈને સામે ખાલી મરીઝનું નામ બોલવાનું બસ પછી એ શર્ટ ઉંચો કરે અને પેટનાં ભાગ પર પેન્ટમાં ખોસેલી 'આગમન' (મરીઝનો ગઝલ સંગ્રહ) કાઢે અને કોઈ બી પાનું ખોલ અને વાંચ મજજા જ પડશે એવું કહે, હસવું આવે પણ અમે એમ કરીને જોઈએ પણ ખરા જે ગઝલ ખુલે એ પોતે જ ચોપડી વગર મોઢે બોલવા લાગે અને એના વિષે સમજાવવા લાગે અને એ ગઝલના સંદર્ભો આંબેડકર, જ્યોતિબા અને આનંદ તેલતુમ્બડેનાં લખાણોમાંથી કાઢે. મેં એમને પૂછેલું કે ‘વાંચન જીવનમાં ક્યાંથી આવ્યું?’ તો જવાબ મળેલો ભાવે સાહેબમાંથી... (ક્રમશઃ)                                                                                                                                     

Comments

  1. Nice one bro. Keep it up. ��

    ReplyDelete
  2. વાહ મૌલિકરાજ આજે તો ખરેખર શબ્દોની સરીતામાં તદ્દન મૌલિક થઈને રાજ કર્યું. ખુબ આનંદ.

    ReplyDelete
    Replies
    1. ઓહ... પ્રશાંતભાઈ.. ખુબ આભાર ..

      Delete
  3. "લોકવાચા"ના પ્રતિનિધિ બની આપે બ્લોગની કરેલી "એક નવી શરૂઆત", અમારા માટે "જમ્યા પહેલાના મુખવાસ" જેવી નહીં, પણ "સ્ટાર્ટર" જેવી જ છે, અને આશા છે કે ધીરે ધીરે નવા શાબ્દિક વ્યંજન આપ પીરસતા જ રહેશો.

    ReplyDelete
    Replies
    1. ઓહહ... આકાશ ..ખુબ આભાર દોસ્ત ... ગમશે ને ?

      Delete
  4. અદ્ભુત લખાણ લાગે જાણે કોઈ નવલકથાનું પાનુ વાંચી નાખ્યુ.જીણવટતા થી જે રીતે દ્રશ્યો ઉત્પન્ન થાય છે તે તમારી કુશળતા જ્યારે વધશે ત્યારે આ દુનિયા તમને નોવેલ રાજ તરીકે પણ જાણશેે. તેનો મને ઉંડો વિશ્વાસ છે.

    અભિનંદન બ્લોગ બદલ આવુજ વધુ રસપ્રદ વાંચવાનુ મળતુ રહે તેટલી જ આશા.

    ReplyDelete
    Replies
    1. Khub khub aabhaar.. Romel.. Tame je kabyu che etlu to me koi diwas kalpnaa maa pan nathi vichaaryu.. Khali aa blog niyamit lakhi shaku to pan ghanu che ..😊

      Delete
  5. Nice pan aa green house khabar na padi

    ReplyDelete
    Replies
    1. 'Greenroom ma..' E Kavi shri Saumya Joshi no Image publication dhwara prakashit thayeo Kaavy - Sangrah che .. Vaanchjo khub maja padshe ...

      Delete
  6. Bov j maja avi vachvani..
    Vadhu lakhta raho..
    Evi shubhecha

    ReplyDelete
    Replies
    1. Ohh.. Denisha thank you so much.. Unexpected reply😁

      Delete
  7. આ વાંચનથી ખરેખર લેખક મૌલિકરાજનો પરિચય થયો.

    ReplyDelete
    Replies
    1. હાહા...આભાર મનોજભાઈ.. આગળ પણ વાંચી આમ કમેન્ટ કરશો તો ગમશે ...

      Delete
  8. આ વાંચનથી ખરેખર લેખક મૌલિકરાજનો પરિચય થયો.

    ReplyDelete
  9. Bahu j maza avi vachvani.��agad ni navi Kahani ni raha javu chu����

    ReplyDelete
    Replies
    1. પ્રવીણભાઈ ... આગળની કહાની પણ મૂકી દીધી છે વાંચતા રહેજો ...આભાર

      Delete
  10. Khub saras maulik !!
    Keep it up !!

    ReplyDelete
  11. સરસ લખાણ છે. બીજો ભાગ પણ વાંચવો પડશે.

    ReplyDelete
    Replies
    1. અરે ઊર્વીશભાઈ ખુબ આભાર... તમે વાંચ્યું અને પ્રતિક્રિયા આપી એ માટે આભાર ...

      Delete
  12. પ્રત્યક્ષ સાંભળ્યા હોય તેવો આનંદ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ