પુસ્તક લખવાનું સપનું ..

ભાવે સાહેબ ... સંજય ભાવે... પહેલી વાર મેં એમને કોલેજની લાઈબ્રેરીમાં જોયા હતા ... પપ્પાની પીળી પેટીમાંથી એક કાર્યક્રમનું જુનું આમંત્રણ કાર્ડ મળ્યું હતું અને આયોજકની આખી ટીમમાં ૧૫-૨૦ લોકોના નામ હતા. એમાં ત્રીજું ચોથું નામ ભાવે સાહેબનું હતું... અને કદાચ સોળમું કે સત્તરમું નામ મારા પપ્પાનું હતું... કાર્યક્રમ વિષે હાલ બરાબર યાદ નથી ... પણ વાંચ્યા પછી સંજય ભાવે સાહેબ સાથે એમ જ મારા તરફથી મનમેળ થઇ ગયો હતો .. સંજય સર જેને મુખ્ય વિષય અંગ્રજી હોય એમને ભણાવે એટલે મને એમના ક્લાસમાં બેસવા નહોતું મળ્યું, પણ સર સાથે સ્ટાફરૂમની બહાર વાતો કરવા જઉં. સર પંદર મિનીટ વાત કરે એમાં બે પુસ્તકોનાં નામ આપી જ દે ...અને એ લેખક વિષે અથવા પુસ્તકની શૈલી વિષે પણ કૈંક બોલી નાખે .. પછી આપણે છુટા પડીએ એટલે મનમાં પેલા પુસ્તકના નામોની ચટપટી થાય એટલે એ પુસ્તક શોધીએ ... મળે તો વાંચીએ નહિ તો કીટલી એ બેસવામાં બીજી કોઈ વાત નીકળે તો પુસ્તક ના પણ યાદ આવે ... ભાવે સાહેબ ખાલી પુસ્તકની વાતો જ કરે એવું નઈ ... એ પુસ્તક ભેટમાં પણ આપે ...

 "ચિ. મૌલિકરાજને અંધ વિદ્યાર્થીઓની મદદ કરવા બદલ સંજય શ્રીપાદ ભાવે તરફથી સપ્રેમ ભેટ..."
 ( પછી તારીખ લખે અને સહી કરે ... )

સર પહેલા એકદમ નાની નાની પુસ્તિકાઓ ભેટ આપે 'પહાડી નિશાળના પડઘા', 'શીંગડા મારતા શીખવું','વીણેલા મોતી' વગેરે ... અને એ વિદ્યાર્થી જો વધુ રસ લે અને સરને મળ્યા કરે, તો સર એ વિદ્યાર્થી સાથે વાતો કરી, એના રસ-રૂચીને સમજ્યા હોય એ પ્રમાણેનાં બીજા પુસ્તકો પણ ભેટમાં આપે... મેં કોલેજમાં 'ભગતસિંહ અને પાશ' વિષે આર્ટીકલ લખ્યો હતો. સર એ વાંચ્યો, મને ભગતસિંહ એ લખેલા અને તેમના પર લખાયા હોય એવા ૧૦-૧૨ પુસ્તકો વાંચવા આપ્યા હતા અને મેં એમાંથી જેના વિષે વધુ વાતો કરી એ એમણે મને ભેટ કર્યું. હું કોલેજમાં નાટકો તરફ વળ્યો અને નાટકમાં મને ખુંપતો જોઈને પુ.લ. દેશપાંડેનું 'ભાત ભાત કે લોગ...' એમણે મને ભેટમાં આપેલું. ઘણા પુસ્તકો સુધી અને પુસ્તકોની લાયબ્રેરી કે દુકાનો સુધી હું પહોંચું એમાં સર સેતુ બન્યા.
ભાત ભાત કે લોગ - પુ.લ.દેશપાંડે

એક વાર મને એચ.કેની બહાર તડબુચ ખવડાવીને સર ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલા 'ગ્રંથાગાર'માં લઇ ગયા હતા... 'ગ્રંથાગાર' વિષે એમણે મને રસ્તામાં કહ્યું કે 'આ પુસ્તકની એવી દુકાન છે મૌલિક, જે દુકાન જેવી નથી..ત્યાં તમે જાવ એટલે મોઢું મીઠું કરવા મળે અને ખરીદો કે ના ખરીદો પુસ્તકો વિષે વાતો કરવા મળે....'  સર મને ત્યાં પહેલી વાર લઇ ગયા હતા હવે આજે હું ઘણા મિત્રોને ત્યાં લઇ જતો હોવ છું અને સંજય સર એ 'ગ્રંથાગાર' વિષે જે વાક્ય કહેલું એ પણ બોલી દેતો હોવ છું.

'ગ્રંથાગાર'ની બહાર એક અદભુત ગલી છે અને ત્યાં એક ચાની કીટલી છે ત્યાં અમે સૌ દોસ્તો બેસી રહેતા અને સંજય સર એ આપેલા પુસ્તકો વિષે, સંજય સરનાં પુસ્તકો પ્રત્યેનાં મમત વિષે વાતો કરતા અને ઘણી વાર તો સંજય સર કોઈક ઘટનામાં હાજર હોત તો શું બોલે અથવા કેવી રીતે બોલે એ પણ ભજવી લેતા. કિશનતો એટલો બધો ઊંડો ઉતરીને ભજવતો કે ક્યારેક અમે કહીએ કે, 'કિશન બસ હવે બહાર આય...'
કિશન, ધવલ, દીપક, અને અમિત અમે કીટલીને ક્યારેક લાયબ્રેરી તો ક્યારેક રંગમંચ અને ક્યારેક ન્યુઝ  ચેનલમાં આવતું હોય એવું પેનલ ડિસ્કશન બનાવી દેતા...પુસ્તકો વિષેની વાતો કરવી, એકબીજા પાસેથી પુસ્તકોની અદલાબદલી કરવી એ બધાની આદત જેવું પડવા લાગ્યું ... જન્મદિવસે ભેટમાં એકબીજાને શુભેચ્છા ન પાઠવીએ કે કેક નાં કાપીએ તો ચાલી જાય પણ અમે ભેટમાં પુસ્તક માંગવાનું નથી ભૂલતા...
'ઓયે, તારે મને મારી બર્થ ડેનું પુસ્તક આપવાનું બાકી છે હો...'

'ભગવદગીતાથી લઈને દાસ કેપિટલ' સુધીની વાતો આ ભાઈબંધો જોડે થાય... નાટકોના રીડીંગ થાય ..પછી એકબીજાની સામે જોવાય ... આંખો મોટી થાય... આ નાટક કરીએ એવી તીવ્ર ઇચ્છા થઇ જાય.. સેટ ...કોસ્ચ્યુમ... પ્રોપર્ટી... શો ની તારીખ અને ઓડીયન્સ રિસ્પોન્સ સુધીનું બધું ફાઈનલ થઇ જાય અને પછી કિશનનાં પપ્પાનો ફોન આવે એટલે કિશન ધીમે રહીને કહે કે, ' યાર જવું પડશે ચાલો મળીયે ...બાય...'
પછી સમયનું ભાન થાય અને બધા પોતપોતાના ઘેર જાય... બસ આમ કરતા કરતા બધાનું એચ.કે માંથી ભણવાનું પૂરું થઇ ગયું.

પ્રિય પુસ્તક : Everybody Loves a Good Drought by P.Sainath
મારે આગળ એમ.ડી.સી (માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કોમ્યુનીકેશન)માં એડમીશન લેવું હતું. અવધેશભાઈ એ ડરાવ્યો કે તૈયારી કરજે નઈ તો પાસ નઈ થાય.. એટલે ઊંધું ઘાલીને વાંચવાનું નક્કી કર્યું... સવારે ૯-૧૧ ગુજરાત વિધ્યાપીઠમાં છાપા વાંચવા પછી ૧૧ વાગે સાહિત્ય પરિષદની લાયબ્રેરીમાં આવવાનું અને એ ૬ વાગે બંધ ત્યાં સુધી વાંચવું પછી ક્રોસવર્ડમાં જવું અને એ ૯ વાગે બંધ થાય એટલે કિશન ધવલને મળીને ઘરે જવું.... પરિક્ષાનાં બહાના હેઠળ જીવનમાં પહેલી વાર સારું વંચાયું... અને આ જ સમયગાળામાં સૌથી ગમતું પુસ્તક બન્યું પી.સાંઈનાથનું 'એવરી બડી લવ્ઝ અ ગુડ ડ્રોટ' (Everybody loves a good drought) ... એવું સપનું ત્યારથી સેવ્યું કે જીવનમાં આવું રીસર્ચ કરીને એક દળદાર પુસ્તક લખવું છે.. ભવિષ્યમાં કોઈક લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ અને રીસર્ચરસ એને સંદર્ભ તરીકે જોતા હોય .....એવું સપનું ... પછી ડેવલપમેન્ટ કોમ્યુનીકેશનમાં એડમીશન મળી ગયું, મેરીટમાં આવી ગયો હતો હું અને મનગમતું ભણવાનું શરુ થયું ......


(ક્રમશ:)  


  

Comments

Post a Comment

Popular posts from this blog

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ