હવે, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે



હિમાચલ પ્રદેશમાં સોલન નામની જગ્યાએ અમારા નાટકનો શો હતો. આખી ટીમ ત્યાં પહોંચી, જમવાના કોઈ ઠેકાણા નહિ. એટલે કિશન, ધવલ, દીપક, અમિત, ગુંજન અને કબીર આટલા લોકો બહાર પરાઠા ખાવા નીકળ્યા. પરોઠા ઓર્ડર કર્યા અને અમે અમારા નાટક વિષેની વાતો કરી રહ્યા હતા. નાટકનું નામ હતું. ‘મેરી બાત સુનો..’  પણ હાલ તો એ પરોઠાનો ઓર્ડર લેવા આવેલો ભાઈ અમારી વાતો સાંભળી રહ્યો હતો.. હવે તો પરોઠા પણ આવી ગયા હતા, અને અમે બધા પોતાનો પરોઠો પૂરું થાય તો બીજામાં હાથ નાખવાના આશયથી વાતો કર્યા વગર પ્લેટ પર તૂટી પડ્યા હતા. જેને ઓર્ડર લીધો હતો એ ભાઈ એના ગમછાથી હાથ સાફ કરતા કરતા અમારી પાસે આવ્યો અને અચકાતો અચકાતો બોલ્યો, ‘આપ ગુજરાત સે હો?’ અમે બધા એ સાહજિક રીતે જ હા પાડી.... એના મોઢા પર બધા જ દાંત દેખાય એવડી મોટી સ્માઈલી છપાઈ ગઈ.. અને એ બોલ્યો, ‘ગુજરાત સે ...’ મને સામાન્ય રીતે લોકો શું પ્રતિક્રિયા આપશે એવી પોતાનાં જ મનમાં આગાહી કરવાની ટેવ છે એટલે લાગ્યું કે એ ભાઈ હવે ગુજરાતીમાં બોલશે અને કહેશે કે, ‘હુંય ગુજરાતી છું..’ કે એ પહેલા ગુજરાતમાં પરોઠા બનાવતો હશે એવો કૈંક સંબંધ ગોઠવશે ... પણ એ બોલ્યો કે, ‘ગુજરાત તો એકદમ બડીયા હેના..મેં તો કભી ગયા નહિ હું મગર સબ કહેતે હૈ કી ગુજરાતમેં તો કોઈ કમી હી નહિ હૈ, સબ લોગ ખુશ હૈ’ એ ભાઈએ અમને એવી રીતે નવાજ્યા જાણે અમે ગુજરાતથી નહિ પણ સ્વર્ગમાંથી કે કોઈ દૈવીય લોકથી આવ્યા હતા અને એના ત્યાં પરોઠા ખાવા માટે પ્રસન્ન થઈને ધરતી પર ઉતરી આવ્યા હતા.

હું દિલ્હીમાં થોડા દિવસ કોઈ જ મકસદ વગર રખડી રહ્યો હતો. એ દિવસોમાં એક રિક્ષાવાળા ભાઈ સાથે વાતો કરતાં જાણવા મળ્યું કે એ ભાઈ દિલ્હીમાં રિક્ષા ચલાવીને પોતાના ઝારખંડમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે, એના બે બાળકોને ભણાવે છે. મેં વધુ આગળ પણ ભણાવજો એ વાત કરી એટલે એ ભાઈ બોલ્યા કે, ‘પઢાયેગા, લિખાયેગા ઔર આપકે જૈસા બનાયેગા સા’બ...’ એણે મને હું ઉત્તર પ્રદેશ કે બિહારનો હોઈશ એવું જ ધારી લીધેલું. એટલે એણે સીધા ત્યાંના ગામ વિષે જ પૂછી લીધું. પછી મેં ફોળ પાડી કે હું તો ગુજરાતથી આવું છું. એ ભાઈ એ રિક્ષા ધીમી કરી અને મને કહ્યું કે સુના હૈ ગુજરાતમેં તો સબ બહોત કમાતે હૈ .. આપ મુજે ગુજરાતમેં કુછ કામ દિલવા દોગે..?’ 

આવા કિસ્સાઓ મધ્ય પ્રદેશ, ચેન્નાઈ, છત્તીસગઢ, રાજસ્થાન અને બીજા રાજ્યોનાં પણ છે, કાશ્મીરનાં મિત્રો પણ ગુજરાતને સ્વર્ગ ગણે .. અને દરેકને ગુજરાતી છું એવું ખબર પડે એટલે આપણા પ્રત્યેનો એક જુદો જ અહોભાવ ઉભો થઇ જાય છે જે મેં અનુભવ્યો છે અને તમે પણ અનુભવ્યો જ હશે..

મને સમજણ આવી પછી, આમ તો મારા નજીકના માણસો માને છે કે હજી નથી આવી. પણ અહીં સમજણ એટલે કે સાહિત્ય, કળા, રંગમંચ, સામાજિક ઉત્થાન આ બધાના પરિચયનાં પરિચયમાં આવવું. આ સમજણ આવી ત્યારથી મને હું ગુજરાતી તરીકે જન્મ્યો છું એનો અફસોસ એક યા બીજી રીતે સતત રહ્યો છે અને બીજા રાજ્યોના માણસો જેમકે મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી કે દક્ષિણ ભારતનાં લોકો એમની કળા એમના સાહિત્ય સાથે વધુ નિકટ હોય એવું મને હંમેશા લાગતું અને એટલે જ મને એમનાથી ઈર્ષ્યા પણ થતી .. સાહિત્ય, કળા અને સિનેમાની વાત કરવા બેસું એટલે આ બધું જ સામાજિક નિસ્બત સાથેનું, છેવાડાનાં માણસની વાત કરતુ અને તમામ સુધી પહોંચી શકે એટલી તાકાતવાળું છે એવું હું માનતો અને સૌને કહેતો પણ ખરા, હા બહુ બધું વાંચી લીધું કે જોઈ લીધું છે એવું બિલકુલ નથી. ખાલી અધકચરી ખબર છે એમ કહો તો સાચું જ...

મંગેશ પાડગાંવકર, પુ.લ દેશપાંડે, નામદેવ ઢસાળ, રતન થીયમ, વિજય તેન્દુલકર, મહેશ એલ કુંચવાર, મોહન રાકેશ, અન્નાભાઉં સાઠે, સત્યજીત રાય, આનંદ પટવર્ધન, ગોપાલ મેનોન, રાકેશ શર્મા, નાગરાજ મંજુલે, મકરંદ દેશપાંડે, પૃથ્વી થિયેટર, દાદા સાહેબ ફાળકે, ગીરીશ કર્નાડ અને આવા ઘણા નામો છે જેમણે મને આકર્ષ્યો છે. સહમત, રાજકમલ, વાણી, લોકાયત, જેવા પુસ્તક પ્રકાશનોને પણ એમાં મુકવા જ રહ્યા.

મહારાષ્ટ્રમાં પૃથ્વી થિયેટર, ભાઈ દાસ, ભવન્સમાં સતત નાટકો ચાલતા હોય અને ભાંગવાડી જેવી જગ્યામાં ૨૦ – ૩૦ રૂપિયાની ટિકિટમાં સુંદર નાટકો જોવા મળે, જેમ અહિયાં શેરી એ શેરી નવરાત્રી સમિતિ અને યુવક મંડળ છે એમ મેં સાંભળ્યું છે કે બંગાળમાં નાટ્ય મંડળીઓ છે, અહિયાં ઓટલાઓ છે જેના પર નાની નાની દેરીઓ થઇ ગઈ છે તેમ ત્યાં ઠેર ઠેર ભજવણી થઇ શકે એ માટેની જગ્યાઓ છે.. ત્યાં લોકો ક્રિકેટ કરતાં વધુ ફૂટબોલની વાતો કરે બંગાળ અને મણીપુરની મેચ હોય તો જાહેર રજા જેવું લાગે.. યુપી બિહારમાં ઘરે ઘરે રાજકારણની વાત થાય, સપા, બસપા વિષે વાત થાય અને યુપીએસસીની પરિક્ષાની તૈયારીઓ માટે છોકરાઓ સ્કૂલમાંથી જ લાગવા લાગે... દિલ્હીમાં શેરી નાટકો અને રાજકીય નાટકો ભજવાય, યુનિવર્સિટીની કીટલીએ કે ગંગા ઢાબા પર માર્ક્સ, આંબેડકર, ભગતસિંહ, લેનિન અને ખરા રાષ્ટ્રવાદની વાતો થાય. આ બધું મને અહી મારા ગુજરાતમાં કેમ નથી મળતું એવો અફસોસ મને દુ:ખી કરે અને ચિંતા કરાવે કે આ બધું મેળવવા હું અહિયાં મારા ગુજરાતમાં શું કરું.. મથામણો મને પીડે .. ક્યારેક એવું પણ બોલાવી દે કે કાશ હું બીજા કોઈ રાજ્યમાં જન્મ્યો હોત તો હું જુદો હોત....

પણ હમણાંથી આમ નથી થતું .. હમણાં હું ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સાથ જોડાયો છું.. વિચરતી અને વિમુક્ત જાતિઓના પ્રશ્નોને સમજવા અને ઉકેલવા મારે ગુજરાતનાં ગામડાઓમાં જવાનું થાય છે, હું આ લોકોને સાંભળું અને એમની પીડાને રજુ કરવાનું થાય તો સમજાય છે કે આ બધું હું ગુજરાતી ના હોત તો આટલું ઊંડાણથી ના સમજી શકત ... પહેલા તો આ લોકો મને જોઇને મારી સાથે એમને જેવું આવડતું હોય એવું હિન્દી બોલવાનું શરુ કરે પછી હું ગુજરાતીમાં જવાબ આપું એટલે બધા અંદર અંદર હશે પણ ખરા અને પછી એ મને એમનો પોતાનો ગણે.. હા, હું માનું છું કે એમ તો ભાષા વગર પણ કોઈના સુધી પહોંચી જ શકાય છે પણ આપણા સમાજમાં મારી ભાષા બોલવા વાળો માણસ મારો જ છે એવું વલણ ખુબ દૃઢ છે આપણામાં...  આમ તો આ દરેક જાતિઓની પોતાની એક બોલી છે, એ લોકો એમની બોલી બોલે તો એ એટલી બધી નથી સમજાતી પણ એમાં ઘણા ગુજરાતી શબ્દો હોય એટલે વાત પકડાઈ જાય ખરા..

ગુજરાતી છું એટલે ઘણું બધું સમજાય છે...ગુજરાતી છું એટલે સમજાય છે કે અમદાવાદમાં પુલની બે બાજુ બે જુદા શહેરો છે.. એટલે જ ગુજરાતી ભાષામાં લખાયેલો ‘ઝુંપડા વીજળીકરણ’ અંગેનો ઠરાવ વાંચી શકું છું, સાંભળીને સમજી શકું છું ‘આજ સુધી ઘરમાં લાઈટ નથી ભાળી, સાહેબ..’ એવી ગુજરાતી ભાષામાં થયેલી એક બાની આજીજી પણ .. અને વાંચી શકું છું ગુજરાતી ભાષામાં બનેલું ‘હું ચોવીસ કલાક વીજળી છું, હું સ્માર્ટ ગુજરાત્ છું’ એવું મોટું હોર્ડિંગ પણ... હું સમજી શકું છું ભરથરી કાકાના ગુજરાતી ભજનો અને પામી શકું છું આખી જિંદગી ભટક્યા કરવાને લીધે લથડી ગયેલા શરીરની વ્યથા પણ..
ગુજરાત

હું ગુજરાતી છું એટલે સાંભળી શકું છું ગુજરાતી ભાષામાં બોલાતી ગાળો જે સચિવાલયનાં પ્રવેશ પાસ માટે લાઈનમાં ઉભેલો વ્યક્તિ મનમાં બોલ્યા કરતો હોય છે.. સાંભળું છું રીવરફ્રન્ટ પર ગુજરાતીમાં પાઉચ વેચવા થેલો લઈને ફરતું બાળક એની માને બોલતો હોય એ ગુજરાતી નિર્દોષ શબ્દો કે, ‘મમ્મી અહિયાં પહેલા આપડું ઘર હતું..’ ગુજરાતી તરીકે ગર્વ લેવા માટે થયેલા ખર્ચાનો હિસાબ (હા, હિસાબ કરવાની વાત કરી એ હું ગુજરાતી છું એ વાતનું પ્રમાણ) ગુજરાતી છું એટલે જોઈ શકું છું એમને જે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાને બચાવવાનાં પ્રયત્નો માટે ભેખ ધારી બેઠા છે... મળી શકું છું એમને જે નવા માણસને મળે તો સીધા હિન્દી કે અંગ્રેજીમાં વાત શરુ કરે છે એવા ગુજરાતી લોકોને... અને એમને જે સમાજમાં આટલી બધી તકલીફો છે, અમે એમને બદલી કાઢીશું એવું બોલી ‘સમાજવાદ’ને વેચી નાખતા ગુજરાતીઓને પણ... ગુજરાતીઓ, ગુજરાત અને ગુજ-જાતીઓ આ સૌને અનુભવી શકું છું હું.. કેમકે હું ગુજરાતી છું અને આ બધું જ ગુજરાતીમાં સાંભળી, વિચારી, સમજી શકીને સંવેદના પામી શકું અને તે બીજા ગુજરાતીઓ પણ સાંભળે, વિચારે અને સમજે અને સંવેદના પામે એવા પ્રયત્નો કરી શકીશ...

એ માટે હવે, મને ગુજરાતી હોવાનો ગર્વ છે.


Comments

  1. પોતાની ભાષા માટે માપસરનું ગૌરવ હોવું સ્વસ્થતાની નિશાની છે. બાકી, ભાષાઓની સરખામણી માણસોની સરખામણી કરવા બરાબર છે. તેમાં બધાની પોતપોતાની ખૂબી-મર્યાદા હોવાની.

    ReplyDelete
    Replies
    1. સૌ પહેલા તો તમે વાંચ્યું એનો આનંદ છે ઉર્વીશભાઈ...હા સરખામણી ના થઇ શકે એ વાત બહુ જ સાચી .. અને ગૌરવ તો માપસરનું જ સારું ... હાહા ...

      Delete

Post a Comment

Popular posts from this blog

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ