ડરના જરૂરી હૈ ...
આજે સંદેશ ન્યુઝ ચેનલમાં કાળી ચૌદસ નિમિત્તે એક સ્પેશ્યલ રીપોર્ટ આવ્યો. જેનું શીર્ષક હતું ‘ડરના જરૂરી હૈ’. આ કાર્યક્રમનાં એન્કરનાં કહેવા પ્રમાણે ગુજરાતમાં એવા સાત સ્થળો છે જેમાં 'પેરા નોર્મલ એક્ટીવીટી'નો અહેસાસ થાય છે એટલે કે ત્યાં ભૂત, ચુડેલ કે આત્માનો વાસ છે.
ડરામણા અવાજો અને બિહામણા દ્રશ્યો શરુ થયા. ગ્રાફિક્સમાં અંધારામાં એક સફેદ સાયો દેખાડવામાં આવ્યો અને એ ગાયબ થઇ ગયો પછીથી એ ફરીથી આવ્યો અને ગાયબ થઇ ગયો. પછી મહિલા એન્કરનો અવાજ આવ્યો કે, “અત્યારનાં સમયમાં લોકોને ભૂત-પ્રેતનાં કિસ્સાઓ સાંભળવા ખુબ જ રોમાંચક અને દિલચસ્પ લાગતા હોય છે જ્યારે આ કિસ્સાઓ માત્ર કિસ્સાઓ જ નહિ, પરંતુ હકીકત બનીને સામે આવે છે ત્યારે શું ?
આજની યુવા પેઢી ભૂત-પ્રેત અને આત્માઓની વાતો પર વિશ્વાસ નથી કરતી, પરંતુ જેના ઉપર તમે વિશ્વાસ નથી કરતા એ અસલ જીવનમાં હોઈ પણ શકે ને ?”
આ ન્યુઝ કાર્યક્રમ અનુસાર આ છે ગુજરાતનાં સાત ભૂતિયા વિસ્તારો. આ વિસ્તારોમાં લોકોનો દાવો છે અહિયાં આજે પણ ભૂત-પ્રેતનું રાજ છે.
૧. સિગ્નેચર ફાર્મ, અમદાવાદ : આ સ્થળ પર ઘણી બધી મૂર્તિઓ છે જે અડધી છે, તૂટેલી છે અને કપાયેલી છે. ઘોડાની અને બુદ્ધની પણ તૂટેલી મૂર્તિઓ અહિયાં છે. આ સ્થળ વિષે એવું માનવામાં આવે છે કે અહિયાં પહેલાના સમયમાં સામુહિક હત્યાકાંડ કરવામાં આવ્યો હતો તેથી આ આત્માઓ રાત્રે બહાર આવે છે.
૨. અમદાવાદ – બગોદરા હાઈવે : આ હાઈવે પર થઇ રહેલા એક્સીડેન્ટસ એ એક મહિલાનાં અશાંત ભૂતને લીધે થાય છે. અહિયાં આ મહિલા ભૂત ડ્રાઈવરને દેખાય છે અને તેનું ધ્યાન ભટકી જાય છે, ડ્રાઈવર પોતે અશાંત બની જાય છે અને અકસ્માત સર્જાય છે. “આ વાતમાં કેટલી સત્યતા છે તે પુરવાર નથી થયું પણ આ રસ્તા પર અવારનવાર થઇ રહેલા એક્સીડેન્ટસ આ વાતનો પુરાવો છે.”
૩. ડુમસ બીચ, સુરત : આ બીચ પર નબળા હ્રદય નાં લોકો એ જવું નહિ. આ બીચ પર રાત્રે જવું યોગ્ય નથી. આ બીચ પર વર્ષો પહેલા એક હિંદુ અગ્નિદાહ સ્થળ હતું અને એટલે રાત્રે અહિયાં બધી આત્માઓ લોકોને ડરાવે છે અને ઘણા લોકો આ બીચ પરથી ગાયબ થઇ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
૫. અવધ પેલેસ, રાજકોટ: આ પેલેસમા રાત્રે કોઈ પશુ કે પક્ષી પણ જતું નથી. આ પેલેસ કોઈ NRI ની માલિકીનો હોવાનું મનાવામાં આવે છે. આ જગ્યા પર કોઈ છોકરી પર સામુહિક બળાત્કાર કર્યા બાદ તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું. તેથી તેની આત્મા અહિયાં ભટકે છે. આ પેલેસમાં લોકો દિવસે ફોટોશૂટ કરવા આવે છે અને રાત પડ્યા પહેલા જતા રહે છે.
૬. સિંધરોટ, વડોદરા : સ્થાનિક લોકોનો દાવો છે કે પરંપરાગત ભારતીય સલવાર કમીઝ દુપટ્ટા પહેરીને અડધા ચહેરા સાથે એક છોકરી ફરતી દેખાય છે જેણે લોકોને પાછા જતા રહેવા માટે પણ કહેતા સાંભળ્યું છે. આ છોકરી કોણ છે એ ખબર નથી પડી તથા ગામ લોકો પોતે પણ રાત્રે અવરજવર કરવાનું ટાળે છે. આ વાત સત્ય છે કે લોકોનો માત્ર ભ્રમ એ હજી સ્પષ્ટ થયું નથી.
૭. ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી કેમ્પસ, અમદાવાદ : આ કેમ્પસનું ગુજરાતના સૌથી ડરાવનાર સ્થળોમાં નામ આવે છે. યુનિવર્સીટીનાં કર્મચારી, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોનું એવું માનવું છે કે અહિયાં એક યુવતીની આત્માનો વાસ છે. આ આત્મા લીફ્ટમાં ઘુસી જાય છે અને લોકોને ડરાવે છે. આ આત્મા કોણ છે એ હજી સુધી ખબર નથી પડી. આ કેમ્પસમાં દરવાજો જાતે ખુલે છે અને બંધ થાય છે તથા ટેબલ અને ખુરશીઓ પણ જાતે હલે છે.
હા, આ તમામ અતાર્કિક અને અવૈજ્ઞાનિક વાક્યો એ ન્યુઝ ચેનલનાં એન્કર દ્વારા બોલવામાં આવ્યા છે. આ સમાચાર કાર્યક્રમ શરુ થયો એટલે પહેલા એમ થયું કે ટીવી બંધ કરી દઉં. પછી એમ વિચાર્યું કે ક્યાં સુધી આપણે ચેનલ બદલી કાઢવાની અને બીજી ચેનલ પર જતું રહેવાનું અને ત્યાં પણ ગુજરાત મેલી વિદ્યાઓનો પ્રદેશ છે એવા જ કૈંક સમાચાર આવી રહ્યા હશે. એમાં કોઈ મીનમેખ નથી. એટલે થયું કે આ પ્રોગ્રામનો તો વિડીયો ઉતારવો પડશે અને તેના વિષે લખવું પણ પડશે. શું લખવું એ બૌ સમજાતું નથી પણ કૈંક પ્રતિક્રિયા નહિ આપું તો આવા પત્રકારત્વનું ભૂત મને સતત ડરાવ્યા કરશે. એટલે મારી હૈયા વરાળ ઠાલવી રહ્યો છું. આમાં કોઈ ન્યુઝ એજન્સી કે ચેનલને બદનામ કરવાનો ઈરાદો નથી માત્ર સવાલ કરવો છે પત્રકારત્વના એ પાસા પર જે સતત ડંખ્યા કરે છે.
પત્રકારત્વમાં અભ્યાસ કરતી વખતે ‘મીડિયા એથીક્સ’ શબ્દ પહેલી વાર કાન પર પડ્યો. પછીથી લેકચરસમાં એના વિષે વધુ જાણવા મળ્યું અને મટીરીયલ વાંચીને બધા મુદ્દાઓને ગોખીને પરિક્ષામાં લખી પણ દીધા. હાલ બધા જ મુદ્દાઓ મને યાદ નથી અને કદાચ કોઈને પણ યાદ ના રહે પરંતુ એટલું તો છે કે સત્યતાને આધારે કે પુરાવાને આધારે સમાચાર આવે આટલું તો કદાચ પત્રકારત્વની શાળામાં ના ભણેલા વ્યક્તિને પણ ખબર પડે. આ રીપોર્ટનાં આધારો જોઈએ તો એ કૈંક આવા વાક્ય પ્રયોગો સંભાળાય છે કે ‘કહેવાય છે’, ‘સ્થાનિકોનાં કહેવા પ્રમાણે અથવા તેમનો દાવો છે’, ‘કિસ્સાઓ સામે આવ્યા છે’. સ્થાનિકોમાંથી કોઈનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હોય અને એ માણસ પોતે કેમેરા સામે બોલતો હોય એવું આ કાર્યક્રમમાં કશું જ નથી. માત્ર એક ફીમેલ એન્કર છે જે ભૂત, પ્રેત, આત્મા, દાવો, ડર આવા શબ્દો પર વજન આપીને બોલે છે અને થોડી થોડી વારે ઘેરા અવાજમાં ‘ડરના જરૂરી હૈ’ એવું બોલે છે. આ ગુજરાતી ચેનલનાં ગુજરાતી રીપોર્ટનું નામ હિન્દીમાં છે એની પણ વાત કરી શકાય પણ આવા બિહામણા કન્ટેન્ટ કે વિષય માટે ભાષા અંગેની આશા પોકળ લાગી રહી છે.
એન્કરના કહેવા મુજબ ‘‘પ્રાચીન સમયમાં મસ્જીદ ઉપર મંદિર બનેલું હતું’’ આ વાત પુરાવા વગર બોલવાથી કેટલાય લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકે છે એ પણ વિચારવું રહ્યું. સાથે સાથે મોટાભાગે ફિલ્મો અને સીરીયલોમાં દર્શાવાતી મહિલા ભૂતોનાં ચિત્રોને આ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા વાસ્તવિક ફૂટેજ ઉપર એડીટીંગની મદદથી ચોંટાડવામાં આવ્યા અને આખા અડધો કલાકના કહેવાતા સમાચાર રીપોર્ટમાં હોલીવુડની ફિલ્મોનાં સાઉન્ડ ટ્રેકસ (SFX)ને જોરજોરથી (ઓડીયન્સનાં માથે...) વગાડવામાં આવ્યા. આ રીપોર્ટને તૈયાર કરવા માટે વિડીયો એડિટરએ ખુબ જ મહેનતથી કામ કર્યું અને પોતાની કળા બતાવી પણ આમાં સમાચાર શોધવાની, સમાચાર લખવાની, સમાચાર રજુ કરવાની અને સમાચાર સમજવાની એન્કરોની, લેખકોની, પત્રકારોની અને સૌથી મહત્વની તંત્રીઓની પત્રકારિતાની કળા વિશે ભૂત-પ્રેત જેટલા જ ભયંકર સવાલો ઉભા થાય છે.
અને આ આખાય રીપોર્ટ બાદ એન્કર એ કરેલી આખરી કમેન્ટ શું સૂચવે છે તે તમે જ નક્કી કરો.
“આ માત્ર લોકોના દાવા છે આજની ૨૧મી સદીમાં ભૂત પ્રેતમાંથી યુવાનોને વિશ્વાસ ઉઠી રહ્યો છે, પણ આજે જ્યારે કેટલાક પુરાવાઓ અને ઘટનાઓ સામે આવે છે ત્યારે કહેવું પડે છે કે યહાં ડરના જરૂરી હૈ.”
તો એનો મતલબ એમ થયો કે આખાય પ્રોગ્રામમાં ભૂત પ્રેતનું અસ્તિત્વ છે અને એ બધાને રાત્રે હેરાન કર્યા કરે છે એવા પુરાવાઓ આપવામાં આવ્યા છે. તો આટલા વર્ષોથી ડૉ. અબ્રાહમ કવુર, રેશનાલીસ્ટ અસોસિએશન, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, નરેન્દ્ર દાભોલકર, અંબાલાલ ચૌહાણ, જયંત પંડ્યા અને ઘણા એકટીવીસ્ટ દ્વારા જે ચમત્કારોનાં પર્દાફાશ અને ભૂત-પ્રેતની હાજરી સામે પડકાર અંગે જે કેમ્પેઈન કરવામાં આવી રહ્યું છે એ બધું જ અહિયાં આ એક જ પ્રોગ્રામ નિરર્થક બનાવી દે છે. પત્રકારત્વ એક જવાબદારીભર્યું કાર્ય છે અને એમાંય દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વધુ અસરકારક હોય છે ત્યારે આ પ્રકારનાં અંધ્શ્રાધાળું રીપોર્ટનાં ભયંકર પરિણામો આવી શકે છે. અહિયાં કોઈ બચાવમાં ટપકી પડે અને બોલે કે ‘હોરર ફિલ્મો તો બને જ છે ને એમને કહો ને!’ એવી નબળી દલીલ કરનારની જાણ સારું કે આ ફિલ્મનાં લેખક-દિગ્દર્શક એવું કબુલે છે કે તેઓ એક ફિક્શન એટલે કે કાલ્પનિક વાર્તા બનાવી રહ્યા છે કોઈ એક્સક્લુસિવ સ્પેશ્યલ સમાચાર રીપોર્ટ નહિ...
હા, આવા ભયંકર પ્રોગ્રામ બની જાય અને ન્યુઝ ચેનલમાં સ્પેશ્યલ રીપોર્ટ તરીકે ચાલી પણ જાય તોય જો તંત્રીઓની, પત્રકારોની, પત્રકારત્વ સંસ્થાઓની, રેશનાલીસ્ટ સંસ્થાઓ અને નાગરિક સમાજનાં મોઢા પરની માંખ પણ નાં ઉડતી હોય તો ‘યહાં ડરના જરૂરી હૈ...’
While modia is achieving public authorization, it is the need of time to questions such propogandist media practices. Well written article Maulikraj. Thanks for enlightening us with the losing objectivity and superficial fairness of regional media.
ReplyDelete