બાળકો, રંગભૂમિ અને ટનાક ટુમ ટુમ...
‘૧૪ વર્ષથી નાના બાળકોને નાટ્યગૃહમાં લાવવા નહિ.’
‘મોબાઈલ ફોન બંધ અને બાળકોને સાઈલેંટ મોડ પર રાખવા વિંનતી.’
‘જો આપ આપની સાથે નાનું બાળક લાવ્યા હોવ અને એ રડે કે અવાજ કરે તો એની ઓડીટોરીયમની બહાર લઇ જવું’
‘મોબાઈલ ફોન બંધ અને બાળકોને સાઈલેંટ મોડ પર રાખવા વિંનતી.’
‘જો આપ આપની સાથે નાનું બાળક લાવ્યા હોવ અને એ રડે કે અવાજ કરે તો એની ઓડીટોરીયમની બહાર લઇ જવું’
આ વાક્યો મોટાભાગે આપણને નાટક શરુ થતા પહેલા સૂચના સ્વરૂપે અથવા નાટ્ય ગૃહની બહાર લખેલી નોટીસ સ્વરૂપે વાંચવા કે સાંભળવા મળતા હોય છે. જો કે આ સુચનાઓની જરૂર નથી હોતી એવું બિલકુલ પણ નથી. જરૂર હોય છે. ચાલુ નાટકમાં કલાકારો પરેશાન થાય, એ વાત સો ટકા સાચી છે અરે માત્ર એક્ટર જ નહિ પણ હોલમાં બેઠેલા પ્રેક્ષકોનો પણ રસભંગ થતો હોય છે.
એક નાટકનાં શો પહેલા તો પ્રેક્ષકો પર ટીખળ થતી કૈંક આવી સુચના આવે છે કે “નાટકના કલાકારો પાંચ સાત મહિનાથી પ્રેક્ટીસ કરીન તૂટી ગ્યા હોયન, મરી ગ્યા હોય અને એની ઉપર તમે તમારા છોકરા છુટ્ટા મેલી દોને એ તમને શોભતું નથ...” આ વાતમાં દરેક કલાકર સમંત થશે જ ....
હું એક વાર ઠાકોરભાઈ દેસાઈ હોલમાં ખુબ જાણીતા ગુજરાતી નાટ્યકારનું નાટક જોવા ગયો હતો. નાટક શરુ થતા પહેલા બધી સુચનાઓ અપાઈ ગયી હતી. તેમ છતાં નાટક બરાબર જ્યારે એની મધ્યમાં પહોંચેલું એટલામાં જ એક બાળકએ સહેજ સહેજ રડવાનું શરુ કર્યું. એના પપ્પા નાટકમ જોવામાં મશગુલ હતા. બાળકે વધુ અવાજ કર્યો, એના પપ્પા સાથે હોલમાં ઘણા બધાએ એ અવાજ સાંભળ્યો અને અમુક લોકોએ અવાજ તરફ લુક પણ આપ્યું. પણ બાળકનાં પપ્પા નાટકમાંથી પોતાનો જ રસભંગ થાય એવું નહોતા ઇચ્છતા. એમને મનમાં થતું હશે કે હું બાળકને બહાર લઇ જઈશ તો મારાથી આ સીન મિસ થઈ જશે. એટલે એ પ્રેક્ષક પપ્પા ઉભા થયા નહિ અને એકીટસે નાટક જોતા રહ્યા બાળકએ પણ એક જ ધારે રડવાનું ચાલુ રાખ્યું અને નાટકના દિગ્દર્શકે નાટક અટકાવી દીધું અને પાત્રમાંથી બહાર નીકળીને એમણે એ પ્રેક્ષક પપ્પાને બાળકને હોલની બાહર લઇ જવા આદેશભરી વિંનતી કરી. બધા જ લોકો એ રડતા બાળક અને પપ્પાને, જ્યાં સુધી એ ઓડીટોરીયમની બહાર ના ગયા ત્યાં સુધી તાકી તાકીને જોતા રહ્યા. એમાંનો એક હું પણ હતો. અને આપણે બધા પણ બાળકને નાટ્યગૃહની બાહર જતા જોઈએ છીએ અથવા એના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ.
પણ આજે હું તમને એક એવા કિસ્સાની વાત કરવાનો છું જેમાં બાળકને નાટ્યગૃહની બાહર નહિ પણ નાટ્યગૃહમાં બોલાવવામાં આવે છે. તેને હડધૂત નથી કરાતું, નાતો તેના માં બાપએ પોતે નાટક જોવા માટે પોતાનાં બાળકને દાદા-દાદી, નાના-નાની કે પડોસીનાં ઘરે નથી મુકવું પડતું. અહીયા તો એવું છે કે બાળક પોતે આવે છે નાટક જોવા, એના મમ્મી પપ્પા, દાદી-દાદા અને નાની-નાનાને લઈને. હા, આ અનોખો નાટ્ય પ્રયોગ એટલે ‘મોગલી બલ્લુ ટનાક ટુમ ટુમ’.
![]() |
| બાળ નાટકનું પોસ્ટર |
આ નાટકના પોસ્ટરમાં મેં એવું વાંચ્યું કે આ નાટક ૩ થી ૯૩ સુધીનાં બાળકો માટે છે. વાંચીને મજા પડી અને એના દરેક શોમાં હું કબીરભાઈને (આ નાટકનાં લેખક દિગ્દર્શક) મેસેજમાં કહેતો કે, હું આવીશ પણ જવાનું ગોઠવાતું જ નહિ. એકવાર શો જોવાનો મેળ પડ્યો અને હું સ્ક્રેપયાર્ડમાં ગોઠવાયો. પ્રેક્ષકોથી આગળ ચટ્ટાઈ પાથરી હતી, ત્યાં અમુક બચ્ચાઓ બેઠા હતા અને બીજા બચ્ચાઓ એમના વડીલો સાથે બેઠા હતા. નાટક શરુ થયું અને બાળકોને મોજ પડવા લાગી, બાળકો તો ચાલુ નાટકમાં કલાકારો સાથે વાતો પણ કરે અને કલાકારો એમની વાતો સાંભળે પણ ખરા. કોઈ બાળક થોડું વધારે તોફાની હોય અને કોઈ એકદમ શાંત તો એ બધાને કલાકારો ધ્વારા સરખો ભાવ મળે એવું પણ જોયું.
નાટકની વાર્તા શું છે અને ‘ટનાક ટુમ ટુમ’ શું છે, એ જાણવા તો તમારે નાટક જોઇને જાતે પોતે અનુભવ કરવો પડશે. હું તો અહિયાં મારા અનુભવ વિષે લખી રહ્યો છુ. મોગલી અને બલ્લુ આપણી ફેવરીટ રૂડયાર્ડ કિપલિંગની ‘જંગલ બુક’નાં જ પાત્રો છે. જે આ નાટકમાં ગુજરાતીમાં ખુબ મસ્તી અને મજા કરાવે છે. હું પણ ખખડીને હસ્યો, પણ આખું નાટક પત્યું એના પછી એક એવો સવાલ થયેલો કે મારામાં ઉમર સાથે એવું તો શું ઉમેરાયું છે જેણે મને આ બાળકો જેટલું એન્જોય ના કરવા દીધો. મને એ પ્રેક્ષક તરીકે બેઠલા બાળકોની ઈર્ષ્યા થઇ ગઈ યાર. અને એ બાળકોના ખડખડાટમાં એવો વિચાર પણ આવ્યો કે ગુજરાતી બાળ સાહિત્યમાં કામ થયું છે પણ ગીજુભાઈ બધેકા અને એવા બીજા એક બે જુજ નામો પછી માત્ર છાપાઓમાં આવતી બાળ પૂર્તિઓ સુધી સીમિત થઇ ગયું છે અને બાળ નાટકોની પણ એટલી જ આકરી કહાની છે.
એ બધા વચ્ચે જ્યારે આવા નાટ્ય પ્રયોગો થઇ રહ્યા હોય ત્યારે એમાં વધુ ને વધુ બાળકોને લઈને જવાથી કલાકારોને વધુ પ્રોત્સાહન મળે અને બીજા લેખક દિગ્દર્શકોમાં પણ બાળ નાટકો કરવાનું જોમ ઉમેરાય એવા પ્રયત્નો હવે આપણા એટલે કે પ્રેક્ષકોના શિરે છે.
![]() |
| કબીર ઠાકોર : લેખક - દિગ્દર્શક |
બાળ નાટક કરવાની માસુમ હિમ્મત કરનાર કબીર ઠાકોરને ખોબલે ખોબલે અભિનંદન. એમણે આ નાટક બનવા પાછળ પ્રેરણા તરીકે ધીરુબહેન પટેલ સાથે થયેલી વાતનો ઉલ્લેખ કરે છે એની સાથે સાથે એમના લેખનમાં એક બાળકના બાપ તરીકે તેની સાથે થતા સંવાદો અને બાળમનને સમજવાનાં પ્રયત્નો પણ દેખાય છે. મોગલી તરીકે મયુર ચૌહાણ ‘માઈકલ’ અને નાટકનો રાહુલ શિવમ પારેખ અને જુદી જુદી ભૂમિકાઓ કરનાર આશિષ કક્કડએ નાટકની આખીય વાર્તાને બાળકોની શૈલીમાં ગીત-સંગીત સાથે નાના અને મોટાઓ સૌ સુધી પહોંચાડી. આ કળાકારોને બીજા નાટકમાં અભિનય કરતા જોયા છે એટલે સમજી શકાય છે કે આ નાટકનો દરેક શો કેટલો પડકારજનક રહેતો હશે અને આ નાટકના ‘બલ્લુ’ રીંછ એટલે અર્ચન ત્રિવેદી દાદા જેમની એનર્જી જોઈને આજ કાલના જીમ જતા અથવા કલ્લરીપટ્ટુ કરતા નવયુવાન એકટરોએ પણ શરમાવું પડે. દાદા તમને તો આખી ગુજરાતી રંગભૂમિ કહે છે કે, ‘અર્ચન, આઈ લવ યુ !’
આ નાટકમાં ઘણા સંવાદો ગીતો ધ્વારા થાય છે. જેમાં ભવાઈની આગવી શૈલીની ઝાંખી થાય છે. સંગીત અને ગીતો મયંક ઓઝાએ પૂર્યા છે જે કલાકારોની સાથે ગાવાનું મન કરાવે છે અને પ્રેક્ષક તરીકે બેઠા બેઠા ડાન્સ પણ કરાવે છે. આ નાટક મોજ મસ્તી સાથે સાથે બાળકો જોડે માંબાપ ધ્વારા થઇ રહેલા ગેરવર્તનનો અરીસો છે અને ક્યાંક પ્રકૃતિ સાથે આપણા સંબંધોમાં આવેલા અણબનાવોનો પુરાવો પણ. માણસો અને પ્રાણીઓની સરખામણી અને તફાવત કરતુ આ નાટક ક્યાંક માણસાઈ અને જંગલિયતની સાચી વ્યાખ્યા બહુ સરળતાથી કરી આપે છે. આ નાટકના ખુબ શો થાય અને હજી ઘણા બાળ નાટકો આ મેજિકલ ટીમ ધ્વારા બને એવી આશા અને હવે પછીનાં બીજા નાટકમાં કોઈ એક સ્ત્રી પાત્ર આવે તો કદાચ આખીય ટીમના આ પ્રયત્નને વધુ વેગ મળી શકે.
આજે આ નાટક નો શો એચ.કે.કોલેજના ઓડીટોરીયમમાં યોજાનાર છે જેનું પોસ્ટર અહિયાં મૂકી રહ્યો છું. પોતાના અને આડોશી-પાડોશીના બાળકોને લઈને જજો અને પોતે પણ બાળક બનીને જજો. અને દુરથી પાસે આવી રહેલી ગુજરાતી બાળ રંગભૂમિને આવકાર સાથે કહેજો... ટનાક ટુમ ટુમ.... ટનાક ટુમ ટુમ
(આગળ હવે બાળકો ધ્વારા થતા નાટક અને બાળકો માટે થતા નાટકો વિષે વાતો કરીશું.)


Comments
Post a Comment