શરીફાના સંભારણા

 આજે આખો દિવસ માથું ભારે રહ્યું. ગ્રહણને ચશ્મા લગાવીને જોતા વિદ્યાર્થી અને અધ્યાપકોના ઉત્સાહ એ પણ કૈં ખાસ ફરક ના પાડ્યો.


મગજ માત્ર કોલજની દોસ્ત શરીફા વિષેનાં વિચારોમાં જ રહ્યું. પ્રોફેસર ફાલ્ગુનીબેનની અને દોસ્ત ગાયત્રીની સવારે ઉઠતા જ પોસ્ટ જોઈ, મહાશ્વેતા બેન સાથે મેસેજમાં વાત કરી. શરીફા હવે નથી એવું જાણ્યું ત્યારે એણે આપઘાત ના કર્યો હોય તો સારું એવો જ પહેલો વિચાર આવ્યો હતો. પણ ક્યાંક ખબર પણ હતી કે એવું કૈંક થયું હશે. જે જયેશ ભાઈના આપઘાત વખતે પણ થયું જ હતું. મોત પાછળ રોતા થાકતા નથી આપણે, જીવતા માણસને એટલો એકલો પાડી દઈએ છીએ કે એ મરી જાય અને દસ દિવસ સુધી કોઈ ને ખબર પણ ના પડે. મર્યા પછી એમના વિષે લખતા અટકતા નથી આપડે, અને એ જ જીવતા માણસ વિષે એની પાછળ બોલતા પણ નથી જ અટકતા આપણે.

શરીફા એચ કે કોલજમાં પોલિટિકલ સાયન્સ ભણવા આવી ત્યારે મારુ બીજું વર્ષ શરુ થયું હતું. વક્તૃત્વ, વિચાર મંચ, એન એસ એસ અને તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એ કોલેજમાં આવતાની સાથે જ જોડાયેલી. સ્ત્રી કેન્દ્રી સાહિત્યમાં એને વધુ રુચિ હતી. એણે એક વાર શરીફાબેન વીજળીવાળાનાં 'શતરૂપા' પુસ્તક વિષે પુસ્તક દિવસે વક્તવ્ય આપ્યું હતું (એ પુસ્તક શાયદ એને સંજય ભાવે સાહેબે ભેટ આપ્યું હતું). એ સિવાય એમનું જ 'વિભાજનની વાર્તાઓ' વિષે અવારનવાર ઉલ્લેખ કરતી. એ સ્ટેજ પર બોલતી હોય તો સાંભળનાર ને ખુબ તાકાત મળતી. એ સમએ નાટકની નવી નવી ભાષા શુદ્ધિની એક્સરસાઇઝમાં હું 'સ', 'શ', 'ષ' વચ્ચે ઉચ્ચારણનાં ફરક વિષે શીખેલો, અને ત્રણેય નો ખાલી 'સ' ઉચ્ચાર કરનારની મજાક ઉડાવતા પણ. શરીફા ખાલી 'સ' બોલતી એ વાતે એની મજાક મેં ઘણી વાર ઉડાવેલી. ઘણા સમય પછી મને એને કહેલું કે એ 'પ્રિ મેચ્યોર બેબી' છે, અને તેને અમુક શબ્દો બોલવામાં તકલીફ પડે છે. એ ખુબ નીડર અને ક્રાંતિકારી મિજાજી હતી. એ બીજા વર્ષમાં હશે એ વખતે એણે સ્ટેજ પરથી એમ કહેલું કે એ હાલ નોવેલ લખે છે, અને ઑડિયન્સમાં એ વખતે રઘુવીર ભાઈ ચૌધરી આવ્યા હતા. એમણે એમ કહેલું એ શબ્દો મને બરાબર યાદ છે કે "પહેલા દુઃખો ભેગા થવા દો, જીવો અને પછી નવલ કથા લખો". મને ખબર નથી કે શરીફાએ કોઈ નવલકથા કે બીજું કઈ પણ લખ્યું હશે, મને એટલું ખબર છે કે જીવી છે, અને દુઃખો ભેગા કરીને એ પણ.

એના ગ્રેડયુએશનના છેલ્લા વર્ષમાં મેં એને યુથ ફેસ્ટિવલમાં પરેશભાઈ વ્યાસ એ "લાજો" નાટક ભજવતા જોઈ હતી. એ નાટક મેં એ પહેલા કબીર ભાઈ એ દિગદિર્શિત કર્યું હતું એ વખતે કૌશાંબી ભજવતી હતી એ જોયું હતું. બંને ભજવણીની સરખામણી થઇ શકે એમ નથી. શરીફા એમ પણ નાટકમાં બહુ નહોતી આવતી, વાત અહીંયા એના અભિનયની નથી કરવી. વાત કરવી છે એની નીડરતાની. ગોરી છોકરી જ સુંદર ગણાય, એવી બોગસ માનસિકતાને ભડાકે દેતી શરીફા ચાલીસ મિનિટનું નાટક એકલા ભજવે છે. એ નાટકમાં ડાયલોગ છે, 'એ લાજો તને શરમ નથી આવતી, ', એના જવાબમાં સમાજને લાજો જે રીતે લોકોને ચાબખા મારે છે, કદાચ એ જ ડાયલોગ્સ બોલવા એણે એ નાટકમાં એક્ટિંગ કરવાનું નક્કી કર્યું હશે એમ લાગતું.

બસ પછી અમારો કોઈ સંપર્ક નહોતો. કોઈ દ્વારા જાણવા મળ્યું હતું કે એ હવે દિલ્હીમાં ક્યાંક છે. હું દિલ્હી ગયો ત્યારે એને ફેસબુકથી વાત કરી ને મળ્યો. એને કહેલું કે એ ઘર છોડી ને દિલ્હી આવી ગઈ હતી, થોડા દિવસ રેલવે સ્ટેશન પર જ રહેલી અને પછી કોઈક વોશિંગમશીન અને એસી વેચાતી દુકાનમાં નોકરી કરતી થઇ એટલે ભાડાનાં મકાનમાં રહેવા લાગી. એને દિલ્હીની ખ્યાતનામ યુનિવર્સીટી જામિયા મિલિયા ઇસ્લામીયામાં એડમિશન મળ્યું હતું માસ્ટર ડિગ્રીમાં પોલિટિકલ સાયન્સમાં જ કદાચ. એ તેણે પૂરું કર્યું નહોતું અને જે એન યુમાં એપ્લાય કર્યું ત્યાં એડમિશન મળ્યું પણ એ માસ્ટર ડિગ્રી પણ એને પુરી નહોતી કરી. પછી થોડા વર્ષો સુધી ફરી અમારો કોઈ સંપર્ક નહોતો.

પછી એ અમદાવાદ આવી, અને કોઈક ફેમિનિસ્ટ એનજીઓમાં કામ કરતી હતી, ત્યારે મળી હતી. એ કામમાં એને ખુબ માજા આવે આવી રહી હતી એ અમારી છેલ્લી વાત થઇ હતી. કદાચ છેલ્લા ચાર વર્ષથી ફરી કોઈ સંપર્ક નહોતો. બે દિવસ પહેલા જ સોલો વુમન શોની વાત કરતી વખતે અચાનક શરીફા અને એનો પાવરફુલ, ખનક વાળો, 'સ' બોલનારો, બેબાક અવાજ યાદ આવ્યો હતો. અને આજે સવારે આ સમાચાર મળ્યા.

આ બધું કેમ લખ્યું ? એટલી બધી ગાઢ દોસ્તી ના હોવા છતાં અમે 12-13 વર્ષ થી એકબીજાને ઓળખતા હતા, એને હું જે રીતે ઓળખતો હતો એ રીતે મારે એની લોકોને ઓળખાણ કરાવવી હતી. એને યાદ કરીને રડવું હતું અને બીજું એમ પૂછવું હતું કે આપણે ખરેખર માનસિક સ્વાસ્થ્ય વિષે કૈંક કરવું હોય તો શું કરી શકાય ? સમયસર દવા અને અંદરની વાત શેર કરવા માણસ ના મળે એનો શું રસ્તો કરી શકાય ?

Comments

Popular posts from this blog

અને હું પુસ્તકો સુધી પહોંચ્યો....

Civilizational State without Caste? Recasting the Past, Civility, and the Limits of Liberal Critique

દીનેશકાકા, ઉર્ફે આલો અને વાલ્મીકિ સમાજ